Tuesday, September 29, 2015

સંબંધના ફૂલ : જીવન તરફથી મળતી નાની નાની શાંતિ

આશ્ચર્ય પામવા ઇચ્છતાં હો તો જીવન તરફથી મળતી નાની નાની શાંતિ તરફ ધ્યાન આપો 
મધખતો તડકો હોય અને લાંબો રસ્તો હોય એવામાં ક્યાંય વૃક્ષનો છાંયો મળી જાય તો? નિરાંત કે શાંતિનું વર્ણન કરવાનું કોઇના માટે એટલું સરળ હોય. આવી કેટલીક જે પળો મળે છે તે એનું મૂલ્ય દર્શાવે છે. તમને આવી નાની નાની ઘટનાઓનો વિશ્વાસ નથી આવતો ને? તો ચાલો, વાત કરીએ કેટલીક બાબતોનો, પછી જોઇએ કે તેનો તમારામાંથી કેટલા લોકોએ અનુભવ કર્યો છે!
આખા દિવસના કામથી મન થાકીને લોથપોથ થઇ ગયું હોય ત્યારે નજીકમાં સૂતેલું બાળક ઊંઘમાં સળવળે અને એને થાબડીને સૂવડાવવામાં જે રાહત અનુભવાય છે, ધોમધખતા તડકા પછી અચાનક વરસી પડેલા વરસાદના ઝાપટાંથી જે સંતોષ અનુભવાય તેવું લાગે છે.
બફારાથી અકળાઇને રાતે આંખ ખૂલી જાય અને બારીની બહાર હવામાં લહેરાતા વૃક્ષો જોઇને નજરને જે ઠંડકનો અનુભવ થાય છે એનાથી અનાયાસે ચહેરા પર સ્મિત તરવરી ઊઠે છે. બારી તરફ નિરાંતે પડખું ફેરવતાં એવું લાગે છે જાણે હવાની લહેરખી હવે સીધી તમારી પાસેથી પસાર થશે. પછી જે ઊંઘ આવે છે તેની તો વાત પૂછો!
ચોમાસામાં અચાનક વરસાદ વરસી પડે અને અગાશી પર સૂકવેલા કપડાં લેવાની ઉતાવળ કરવા છતાં થોડાઘણા તો પલળી જવાય, ત્યારે નાના બાળક જેવું મન ખુશખુશાલ થઇ જાય છે. અનુભવ તો આપણે સૌએ કર્યો છે ને?
અમસ્તા કોઇ વાનગી અત્યંત સ્વાદિષ્ટ બની જાય. જમનાર વ્યક્તિ પહેલો કોળિયો મોંમાં મૂકતાંની સાથે કહી દે, આજે તો ભોજનનો સ્વાદ અનેરો છે. આવા સમયે ઇચ્છવા છતાં ચહેરા પર સ્મિત તરવરી ઊઠતાં અટકાવી શકાતું નથી.
આવી સ્મૃતિઓની યાદી તો હજી લાંબી થતી જશે. પવનને લીધે બારણું ખખડવું, વૃક્ષની ડાળીઓ પર ફેલાતો તડકો, વાદળોમાં સંતાકૂકડી રમતો સૂર્ય, ગીચ-સાંકડી ગલીમાંથી જતાં ઘરની લાંબી-પહોળી ઓસરી જોવા મળે, વાતાવરણમાં દૂરથી સંભળાતા ઘંટનાદથી આપોઆપ શ્રદ્ધાથી આંખો બંધ થઇ જવી. આવી હળવાશભર્યા દૃશ્યો અચાનક તીવ્ર તડકામાં આવી ચડતી વાદળી સમાન છે. વરસાદ તો તસવીરમાં પણ રાહત પ્રદાન કરી જાય છે. માત્ર થોડું ધ્યાન આપવાની જરૂર છે. હવે તો માનશો ને કે જીવનના બળબળતા માર્ગમાં છાંયડો મળતો રહે છે.
માનો તો પડછાયો છે 
source